• કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાથી ઉભી થયેલી ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ની કોલેજો ૩.૭૫ લાખ થી ૧૨ લાખ રૂપિયા સુધી ઉચી ફી વસૂલાત કરે તે વ્યાજબી નથીઃ સોસાયટીની કોલેજોને તાત્કાલીક સરકારી મેડીકલ કોલેજમાં રુપાંતર કરવા કોંગ્રેસ પક્ષની માંગ.
એમબીબીએસ પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે થયેલ પ્રવેશ પ્રક્રિયા મામલે મેરિટ ની આંકડાકીય હકીકતથી સ્પષ્ટ સામે આવે છે કે સરકારી મેડિકલ કોલેજ વિધાર્થીઓની પ્રથમ પસંદગી છે ત્યારે એમબીબીએસમાં કોલેજ પસંદગીમાં ફીના ઊંચા ધોરણો સામાન્ય – મધ્યમ વર્ગના વિધાર્થીઓ – વાલીઓ માટે પડકાર હોવાની વિગતો રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૬ સરકારી મેડિકલ કોલેજ માં ૧૪૦૦ બેઠક ઉપલબ્ધ છે. કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલ મેડિકલ કોલેજમાં માત્ર ૬૦૦૦/- રૂપિયા ફીનું ધોરણ હતું જેને ભાજપ સરકારએ ૪૦૦% વધારો કરીને ૨૫૦૦૦/- રૂપિયા કરી દીધી છે. મોંઘા તબીબી શિક્ષણને કારણે સરકારી મેડિકલ કોલેજ સામાન્ય-મધ્યમવર્ગના ઉચ્ચ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની છે. કોંગ્રેસના સમયમાં બનેલી સરકારી કોલેજોમાં એડમીશન લેવા આજે પણ વિદ્યાર્થી-વાલીઓ માટે ગુણવત્તાવાળા તબીબ શિક્ષણ માટે પસંદગીમાં આગળ છે. મેડિકલ કોલેજોની વધતી સંખ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ સ્થાપિત, ઓછી ફી વાળી અને સરકારી હોસ્પિટલ ધરાવતી સરકારી કોલેજમાંથી તબિબ બનવા માટે પ્રાથમિકતા આપે છે.
કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાથી ઉભી થયેલ મેડીકલ કોલેજ જેને ભાજપ સરકારે ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) હેઠળ લઈને ૩.૭૫ લાખથી ૧૨ લાખ જેટલી માતબર ફી ધરાવતી કોલેજમાં રૂપાંતર કરી દીધી છે. જ્યારે રાજ્યમાં ખાનગી મેડીકલ કોલેજોમા ૧૧ લાખથી લઈને ૨૬ લાખ જેટલી માતબર ફી વસૂલાતના લાયસન્સ અપાયા છે. જે વિદ્યાર્થીઓને ઉંચી ફી ભરીને તબિબ થવાની ફરજ પડી રહી છે. સોસાયટીની કોલેજોને તાત્કાલીક સરકારી મેડીકલ કોલેજમાં રુપાંતર કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે.
મેડિકલ અભ્યાસમાં ફીનું ધોરણ ખુબ જ ઉંચુ અને સતત વધી રહ્યું છે, ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન્ડ ફિલ્ડના નામે ફી મામલે વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે, સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં વાર્ષિક ૨૮ લાખ જેટલી માતબર ફી ચૂકવતા વિદ્યાર્થીઓ સરકારી તબિબી સેવામાં ક્યાંથી જોડાય ? ઓછી ફી સાથે મેડિકલ વિદ્યાર્થીઓ ભણશે તો ગ્રામીણ વિસ્તારમાં તબીબોની સેવા કેવી રીતે મળશે? કરોડ રૂપિયા ખર્ચીને ડોક્ટર બનનારા પાસે સસ્તા ઈલાજની અપેક્ષા કેવી રીતે રાખશો?
નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે રાજ્યમાં “બ્રાઉન ફીલ્ડ સ્કીમ” એ ભાજપ સરકારનું સુનિયોજિત “સ્કેમ” હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ખાનગી મેડીકલ કોલેજોને કિંમતી જમીન કરોડો રૂપિયાથી ઊભી થયેલ સીવીલ હોસ્પીટલ / જિલ્લા હોસ્પીટલ સહિત પાંચ વર્ષે ૧૧૦ કરોડ જેટલી માતબર રકમ સરકારી તિજોરીમાંથી આપવાની વ્યવસ્થા – ગોઠવણએ તપાસ માંગી લે છે. ખાનગી મેડિકલ કોલેજો માં બેઠકો વધારા તથા નવી મેડીકલ કોલેજોની મંજુરીના નામે મોટી ગોલમાલ થઈ રહી છે. રાજ્યમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ સ્કીમ હેઠળ મેડિકલ કોલેજ નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ કોલેજ અને બેઠકોનો વધારો થાય તે આવકાર્ય બાબત છે પણ, ભાજપ સરકારે પોતાના મળતિયાઓને ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓને આડેધડ મંજૂરી આપીને કરોડો રૂપિયાની આર્થિક લાભો પહોંચાડી રહી છે. ભાજપ સરકાર વિધાર્થી હિત ના નામે સરકારી મિલકત અને કોલેજો પોતાના ખાસને પધરાવી દે તે કેટલે અંશે વ્યાજબી?
કોલેજની સંખ્યા બેઠકોની સંખ્યા ફી (વાર્ષિક)
સરકારી. ૬. રૂ. ૨૫૦૦૦/-
GMERS. ૧૩ રૂ. ૩.૭૫ લાખ થી ૧૨ લાખ
સેલ્ફ ફાયનાન્સ. ૨૦ રૂ.૧૧ લાખ થી ૨૬ લાખ

