અમદાવાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા સાથીપદાધિકારીઓએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેયરશ્રીએ શહેરના મહત્વપૂર્ણ રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટોની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ચીમનભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજ, સુભાષ બ્રિજ, વાડજ ફ્લાય ઓવર બ્રિજ , પાંજરાપોળ ફ્લાય ઓવર બ્રિજ , પંચવટી ફ્લાય ઓવર બ્રિજ તેમજ હેબતપુર રેલવે ઓવર બ્રિજની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ, ગુણવત્તા અને અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન મેયરશ્રીએ તમામ પ્રોજેક્ટોની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રેલવે તંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે પ્રોજેક્ટોના વિવિધ તબક્કાઓમાં આવતી અડચણોનું સમયસર નિરાકરણ લાવી કામગીરીને ગતિ આપવા પર ભાર મૂક્યો હતો.

સુભાષ બ્રિજની મુલાકાત દરમિયાન મેયરશ્રીએ બ્રિજની કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજનું કાર્ય સમયસર પૂર્ણ થવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેમજ એરપોર્ટ તરફની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે, જે નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં આધુનિક, સુરક્ષિત અને સુદ્રઢ માર્ગ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ મુલાકાત દરમિયાન મેયરશ્રીએ વિવિધ પ્રોજેક્ટોની કામગીરીનું મૂલ્યાંકન કરીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલભાઈ મિશ્રા તેમજ રોડ એન્ડ બ્રિજ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
