મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે.
પોતાના બાળકોના રમકડાં અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવના ને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગી વિકાસમાં રમત-ગમત અને રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સમાજના સક્ષમ પરિવારોના બાળકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા અને હાલ ઉપયોગમાં ન હોય તેવા રમકડાં જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરવાની આ પહેલ માત્ર દાનનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીમાં સંવેદના, સહાનુભૂતિ અને વહેંચણીના સંસ્કારોનું સિંચન કરતું અભિયાન છે.

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડાં દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં અગ્રણીઓ વિનોદભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

By AUTHOR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *